શુક્રવાર, એપ્રિલ 29, 2016

પગ હતા એ પાંગરીને મૂળ જેવા થઈ ગયા...

પ્રેમ જ્યાં પંખી તરફનો મેં કર્યો જાહેર ત્યાં,
પગ હતા એ પાંગરીને મૂળ જેવા થઈ ગયા.


બર્થ ડેની કેકને કાપી જ નહી વર્ષો સુધી,
કેંડલોને ફૂંક મારી, હાથ ત્યાં પત્થર થયા.


શહેરમાં કર્ફ્યુની હાલત કેમ થઈ છે શી ખબર,
અફવા છે કે, 'ટેગ' કરતા એમને ભૂલી ગયા.


ઘર હતું એનાથી નાનુ એ સવારે થઈ ગયું,
સાંભળ્યુ પેલા પડોશીના ઘરે કડિયા ગયા.


બારણા ના હોય એવા દેશમાં થાક્યા હશે,
હાથમાં રાખી મૂકેલા એ ટકોરા જાય ક્યાં?

રવિવાર, એપ્રિલ 10, 2016

બે મત્લા....ડ્રીમ બીગ'ને સાદી રીતે સમજાવું?, શેખચલ્લી.

મટકી ફૂટે ને મહેલો તૂટે ક્યાં જાવું?, શેખચલ્લી.******************************************જગ્યા નથી તો એનો બસ આભાસ ઊભો કર.

ટોળા તરત થશે,  વિરોધાભાસ ઊભો કર.


**************************************

શનિવાર, ફેબ્રુઆરી 20, 2016

એટલે ચગળ્યા કરે છે મૌનને.....

એટલે ચગળ્યા કરે છે મૌનને,
ચોકલેટી શબ્દ સરખા ના બને.


કોઈ બીજું જીંદગીમાં છે જ નહીં,
વારે વારે કેમ કહે છે એ તને?


સહુ પદારથ પ્રેમનો પામી ગયા?
બસ રટીને રોજ એના નામને.


બે વખત ભેગા મળી છુટ્ટા પડે,
માને કાંટાનો સમય,સમજાવને.


જો ઝરણ જોઈ તને મરક્યું જરી,
સહેજ તો પગની ગતિ થંભાવને.મુક્તક

પતંગોને ચગાવે છે,

પવન બહુ ધાડ મારે છે.


કપાયો પેચમાં જ્યારે,

તો દોરી કેમ પાડે છે?


મંગળવાર, ડિસેમ્બર 22, 2015

કાન પાછળ આપના પ્રસ્વેદ છે?

કાન પાછળ આપના પ્રસ્વેદ છે?
હાથમાં જે ગ્રંથ છે એ વેદ છે?

જીંદગી ટૂંકી પડે એવું થશે,
ફૂટપટ્ટીથી ય લાંબા ખેદ છે.

સાતમે આકાશ જઈને જોયું તો,
આ જગત તો સાવ નાની કેદ છે.

અંતવાદી અંતમાં એ માનશે?
અંતમાં કે મધ્યમાં ક્યાં ભેદ છે.

બસ નફો સમજાય મૂડીવાદને,
ને છગનને ટંકની ઉમ્મેદ છે.


ગુરુવાર, ઑક્ટોબર 29, 2015

टौस कर के भाग्य को ही देख ना!

काम करना बंध था उस हाथका,
स्पर्श को संभालना अब काम था.

वो हमारे साथ हो एसा लगा,
सांस लेना इस हवा का बंध सा.

शाम को लाचार सुनना बात का,
नींद का लोरी से छूपकर भागना.
...
युं कुचलकर फूल को अच्छा किया,
ढूंढ़ते थे कांटे कोई रासता.

पूछ मत हर बात पे अब क्या करुं,
टौस कर के भाग्य को ही देख ना!
(16-26.12.13)

રવિવાર, ઑક્ટોબર 25, 2015

કશું....

એને કરું જો બાદ તો બચતું નથી કશું,
એને ઉમેરવાથી પણ વધતું નથી કશું.

જ્વાળામુખી તો શાંત છે, મનની સપાટી પણ,
ભીતર કરી તપાસ તો ઠરતું નથી કશું.

તૂટી જવાની ટેવ જો પેધી પડી ગઈ,
વળવાનું શક્ય હોય તો વળતું નથી કશું.

ધક્કેલતા સમયને હું ઉથલાવવા મથું,
પડતી રહે સવાર બસ પડતું નથી કશું

ટહુકો કશેક થાય તો ટેબલને થાય કે,
લીલો છે થોડો ભાગ ને ઉગતું નથી કશું.
(22-25 Oct'15)


મંગળવાર, ઑક્ટોબર 20, 2015

ઘણીએ odd લાગે છે...

ઘણીએ odd લાગે છે, 
જીવનની દોડ લાગે છે. 

અમે તૂટીને જોડાયા, 
તને તડજોડ લાગે છે? 

હજી માણસ નથી તેથી, 
બધાને God લાગે છે? 

'વગેરે'માં 'વગેરે' છે, 
છતાં બેજોડ લાગે છે. 

નદી આકાશ સામે થઈ, 
હવે એ Road લાગે છે. 

નથી error છતાં de-bug? 
જીવનનો Code લાગે છે. 


 (October 20, 2015)

કાંટા વગરના થોરનો ઇતિહાસ તો જુઓ...

કાંટા વગરના થોરનો ઇતિહાસ તો જુઓ,
લોહી સુકાયું છે એ જગા ખાસ તો જુઓ.

કાંટા વગરના થોરનો ઇતિહાસ તો જુઓ,
સાદો સરળ સચોટ છે, ઉપહાસ તો જુઓ

ચશ્માં ને આંખ ચેન્જ કરી પણ ફરક નથી?
ઓછો નથીને રૂમમાં અજવાસ તો જુઓ?

હેંગર ઉપર કરે છે જીવન બસ પસાર એ,
મેરેજ સૂટનો કોઈ વનવાસ તો જુઓ.

એને વખત નથી તો એ મળતા નથી ખરું,
મારા સમયનો દીર્ધ આ ઉપવાસ તો જુઓ.

(6 April, 2015) 


બધા વૃક્ષને એ સવાલો થયા છે...

બધા વૃક્ષને એ સવાલો થયા છે,
અમારી હજી કોઈ શાખા જ ક્યાં છે?

જગતને પડેલા નવા ઘાવ જોઈ,
ને દર્દો અમારા સુંવાળા થયા છે.

એ ઈશ્વરની સામે જ નમતા નથી પણ,
ઘણાની તરફ તો ય વળતાં રહ્યા છે.

અમારી તરફ છો એ દેખાવ ખાતર?
અમારી તરફ પણ અમે ક્યાં ઢળ્યાં છે.

બહાના કરી ના મળો દર વખત પણ,
ઘણા ખૂબસૂરત બહાના મળ્યા છે.

(18 June 2015)