Tuesday, November 25, 2008

ગઝલ- રઈશ મનીઆર

મારા પ્રિય શાયર રઈશ મનીઆરની એક ગઝલ આજે માણીએ. આપણે જો મનથી નક્કી કરી લઇએ કે કંઈ વસ્તુ કરવી જ નથી ત્યારે આપણને કંઈને કંઈ નડે છે...આ નડવાની વાત રઈશભાઈએ બહુ સુંદર રીતે દરેક શેરમાં અલગ અંદાજ થી કરી છે..એમાંય સત્ય શોધનારના તરી જવાની વાત કે તણખલું બાજુમાં હોવા છતાં ડૂબી જવાની વાત તો ગઝલને એક નવી જ ઉંચાઈ આપે છે.


અડચણ નડે કદીક, કદી માર્ગ પણ નડે
પહેલાં તરસ નડે ને પછીથી ઝરણ નડે

નકશાઓ, સીમાચિહ્ન, ત્રિભેટા તો ઠીક છે
પગલાં નડે છે અન્યનાં, ખુદના ચરણ નડે

પડદા ઉપરના ચિત્રની પૂજા બહુ કરી
દર્શનની છે શરત કે પ્રથમ આવરણ નડે

તારી શકે છે સત્ય ફક્ત શોધનારને
છે શક્ય, તુજને હે અનુગામી! રટણ નડે

તરવું જો હો, તણખલું કદી ક્યાં દૂર હતું?
બાંધેલ બોજ જેવું મને શાણપણ નડે

લીટીની વચ્ચે મર્મ જડ્યો માંડ, બાકી તો-
ભાષા સમજવા જાઉં અને વ્યાકરણ નડે

શું ભેદ? આખું વિશ્વ વિરોધી બને અગર
શું ભેદ? આખા વિશ્વમાં એકાદ જણ નડે

માગે ઊતરતો ઢાળ સતત આપણી ગતિ
સમજી શકાય, કે પછી મેદાન પણ નડે

નડતરનું હોવું એ બહુ સાપેક્ષ ચીજ છે
આગળ વધી જવાનું નિરંતર વલણ નડે

5 comments:

Pinki said...

good one !!

but a sad news
He lost his mother just yesterday..

talash said...

નડતરનું હોવું એ બહુ સાપેક્ષ ચીજ છે
આગળ વધી જવાનું નિરંતર વલણ નડે
વાહ
એક રીતે આ વાદને સાપેક્ષવાદ પણ કહી શકાય. જો વસ્તુમાત્ર સાપેક્ષ છે આ વાત સિદ્ધ થઇ જાય તો વસ્તુમાત્ર વિશેનાં મંતવ્યો પણ સાપેક્ષ છે તે આપોઆપ સિદ્ધ થાય. જો આમ થાય તો પ્રત્યેક મંતવ્યનો વિકલ્પ, વિરોધ કે અન્યથા સ્વરૂપ હોઇ શકે. માણસ જો આટલું સમજે તો તેણે ઘણું સમજી લીધું એમ ગણાશે. પછી તે પોતાના મંતવ્યને આખરી અને પરમ મંતવ્ય ગણાવવાની દુર્બુદ્ધિથી મુકત થશે - અન્યનો આદર કરતો થશે. વિશ્વ મતાગ્રાહીઓની પકડમાંથી છૂટશે અને માણસ શાંતિનો શ્વાસ લેશે.Pragnaju

વિવેક ટેલર said...

અખશિખ સુંદર ગઝલ...

Anonymous said...

કાબિલેદાદ ગઝલ.પ્રત્યેક શેર વિચારતા કરી દે એવા છે.

Sapana said...

લીટીની વચ્ચે મર્મ જડ્યો માંડ, બાકી તો-
ભાષા સમજવા જાઉં અને વ્યાકરણ નડે
Nice lines.

Sapana