ગઝલ – વિવેક કાણે ‘સહજ’

એક ગઝલ શ્રી વિવેક કાણેની. એમણે બહુ સૂચક રીતે એમનું તખલ્લુસ સહજ રાખ્યું છે. આયાસપૂર્વક ગઝલ ના કરવી અને સહજતાથી આવે એને રોકવું નહિં એવો ભાવ એમની ગઝલ વાંચતા જરૂર નજર આવે.

 

બટન નથી કદી, ક્યારેક કયાંક ગાજ નથી

બધુંય સરખું હો, એવો કોઈ સમાજ નથી.

 

બહેર, રદીફ અને કાફિયા ટકોરાબંધ

અને જુઓ તો ગઝલમાં કશી મઝા જ નથી.

બહેરના અંતમાં લલગા કે ગાગા પણ આવે

લગાલગા લલગાગા લગાલગા જ નથી.

નકાર, જાકારો અથવા ઉપેક્ષા દઈ દઈએ

અમે નસીબને કોઠું તો આપતા જ નથી.

કશુંય આપવા-લેવાનું ક્યાં પ્રયોજન છે?

તમારે દ્વાર કશા હેતુથી ઊભા જ નથી.

તરત નીકળવું, કે થોડીક વાર થોભી જવું?

જવાનું નક્કી છે, એના વિષે વિધા જ નથી.

સમયના નહોર ઘણા તીણા છે એ માન્યું પણ

સમય ભરી ન શકે એવો કોઈ ઘા જ નથી.

જે છે તે આ છે, અને જે સહજ નથી તે નથી

ખપે તો લઈ લો, અમે બીજું બોલતા જ નથી.

________________________________________________________

4 thoughts on “ગઝલ – વિવેક કાણે ‘સહજ’”

 1. ગઝલ વીશેની અદભુત ગઝલ
  એકે એક શેર લાજવાબ છે.

  પણ આ બે તો બહુ જ ગમ્યા…
  સમયના નહોર ઘણા તીણા છે એ માન્યું પણ
  સમય ભરી ન શકે એવો કોઈ ઘા જ નથી.

  જે છે તે આ છે, અને જે સહજ નથી તે નથી
  ખપે તો લઈ લો, અમે બીજું બોલતા જ નથી.

 2. બહેર, રદીફ અને કાફિયા ટકોરાબંધ
  અને જુઓ તો ગઝલમાં કશી મઝા જ નથી.
  બહેરના અંતમાં ‘લલગા’ કે ‘ગાગા’ પણ આવે
  લગાલગા લલગાગા લગાલગા જ નથી.
  સહજની સહજ મઝાન ગઝલ
  પ્રજ્ઞાજુ વ્યાસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *