આપી આપીને સજન

શ્રી વિનોદ જોશી, જે ભાવનગર યુનિ.ના વાઈસ ચાન્સેલર પછી અને ગુજરાતી કવિતાને તળપદી, ગામડાના લોકજીવનની મીઠાશનો અદભૂત અનુભવ કરાવનાર ઉત્તમ ગીતો આપનાર કવિ પહેલા..એમનુ એક અદભૂત ગીત માણીએ..

આપી આપીને સજન પીંછુ આપો,
જો તમે પાંખો આપો તો અમે આવીએ..

ચાંદો નીચોવી એના વાટકા ભર્યા,
ને એને મોગરાની કળીએ હલાવ્યા
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
અમે ઉંબરની કોર લગી લાવ્યા

આપી આપીને સજન ટેકો આપો,
જો તમે નાતો આપો તો અમે આવીએ

કાગળમાં કાળઝાળ રેતી વિંઝાય
અને લેખણમાં મૂકી છે લૂ
આંગળીઓ ઓગળીને અટકળ થઈ જાય,
અમે લખીએ તો લખીએ પણ શું?

આપી આપીને સજન આંસુ આપો,
જો તમે આંખો આપો તો અમે આવીએ

________________________________________________________

મળે ના મળે….

વતન કાયમ માટે છોડવાનું આવે તો મારી-તમારા જેવા સામાન્ય જનોની વિચારવાની શક્તિ, જવાના દુ:ખમાંને દુ:ખમાં ઓછી થઈ જાય, પણ જો આપણી જગ્યાએ શ્રી આદિલ મનસૂરી હોય તો જવાની વેદના ગઝલરૂપે આવે, કંઈક આવી રીતે…

શ્હેર છોડવાનું હોય અમદાવાદ…એને શ્રેષ્ઠ કાવ્યાત્મક રીતે વર્ણવવું હોય તો અમદાવાદ એટલે સાબરમતી નદીની રેતમાં રમતું નગર જેવી ઉપમા આપવા માટે આદિલ મનસૂરી થવું પડે! ગઝલનો પહલો શેર..મત્લા જુઓ..

નદીની રેતમાં રમતું નગર મળે ના મળે,
ફરી આ દૅશ્ય સ્મ્રૂતિપટ ઉપર મળે ના મળે

વતનની માટીની પણ એક સુંગધ હોય છે અને વતન છોડ્યા પછી ભલે રાજ-પાટ મળે પણ એ માટીની સુગંધ ક્યાં મળે છે! તો એ સુગંધનો દરિયો શ્વાસમાં ભરીને લઈ જઈએ તો…જુઓ આ બીજો શેર…

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ના મળે

હવે પછીના બે શેર સરળ પણ અર્થપૂર્ણ છે..

પરિચિતોને ધરાઈને જોઇ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ના મળે

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ના મળે

મને સૌથી વધુ ગમતો શેર..જાને ગઝલ શેર!! કોઇના મ્રૂત્યુ પછીનું રડવાનું અત્યારે જ પતાવો..એ સ્વજનના કે તમારા મ્રૂત્યુ પ્રસંગે પછી રડવાની તક ના પણ મળે…

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં
પછી કોઈને કોઇની કબર મળે ના મળે

વતન છોડીને સફરે નીકળો, તો પછી સારો સથવારો ના પણ મળે..તો…

વળાવા આવ્યા છે એ ચહેરા ફરશે આંખમાં,
ભલે સફરમાં કોઇ હમસફર મળે ના મળે

અને મક્તાનો શેર..

વતનની ધૂળથી માથુ ભરી લઉં આદિલ
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ના મળે

no doubt..કે ગુજરાતી સાહિત્યની શીરમોર રચનાઓમાં આ ગઝલ સ્થાન પામી છે…

________________________________________________________

ગુજરાતી કવિતા

મીત્રો,

રીડ ગુજરાતી.કોમ, ઝાઝી.કોમ, ગઝ્લગુર્જરી.કોમ જેવી અનેક સુંદર વેબસાઈટોએ સાબિત કર્યું છે કે ગુજરાતી સાહિત્યમાંથી સામાન્યજનનો રસ ઓછો થવાલાગ્યો છે એ માન્યતા સાવ સાચી નથી. તમે નવા છપાતા પુસ્તકો અને તેની આવ્રુતિની સંખ્યા જુઓ તો કદાચ એમ માનવાનું મન થાય પણ ઉપર જણાવેલી વેબસાઈટોની લોકપ્રિયતા કંઈક જુદુ જ ચીત્ર ઉભુ કરે છે અને એ કદાચ ગુજરાતી સાહિત્યની ઉજ્જવળ આવતીકાલનું ચીત્ર છે.

ગુજરાતી પ્રજા દુનિયાના ઘણા દેશોમાં વસે છે અને ભારત અને એમાંય ગુજરાત છોડ્યા પછી દુનિયાના છેડે બેઠા બેઠા, જ્યારે સંપતિ અને કેરિયરના પ્રશ્નો અંગત જીવનમાં હલ થવા લાગે છે ત્યારે વતન અને વતનની વાતો એવી યાદ આવે છે કે ત્યારે ત્યાં બેઠા બેઠા ઇન્ટર નેટના માધ્યમથી ગુજરાત વીશે અને ગુજરાતી સાહિત્યનો શોખ હોય તો એના વીશે કંઈ જાણવા મળે તો મજજા પડી જાય છે. આવા મીત્રો માટે આ જ બ્લોગ…

અને ગુજરાતમાં અને બહાર વસતા એવ મીત્રો કે જે એવુ માને છે કે ગુજરાતી કવિતા એટલે વીર ——- વાળાના ગીતો! તેમના માટે આ બ્લોગમાં એવા ગીત-ગઝલનો આસ્વાદ કરાવવાનો નમ્ર પ્રયત્ન છે કે જે ગુજરાતી ગીત-ગઝલનું સાચું જેવુ છે તેવું રૂપ તમારી સામે લાવે.

________________________________________________________